એક મધુર યાદ(૮)

h

       એક મધુર યાદ (૮)
કોલકાતામાં ભવાનીપુર એટલે અત્યારે  ગુજરાતીઓનો આધિપત્ય ધરાવતો એક વિસ્તાર.. છેલ્લા ૨૫ કે ૩૦ વર્ષમાં આ વિસ્તારમાં ગુજરાતીઓ એટલા વધી ગયા છે કે જાણે  તમે ગુજરાતમાં આવી ગયા હો !
  લગભગ આ બધા જ ગુજરાતીઓ વર્ષો પહેલા બડાબજારની ચાલી સિસ્ટમમાં જ
રહેતા હતા.
એ દિવસોમાં અમરતલા , મલ્લિક સ્ટ્રીટ, આરમનિયન સ્ટ્રીટ, તારાચંદ સ્ટ્રીટ, રુપચંદ રોય સ્ટ્રીટ અને આજુબાજુમાં લગભગ ગુજરાતીઓ જ વધારે રહેતા.
કોલકાતાની પ્રખ્યાત બિડીપત્તાનો વ્યવસાય  માત્ર ગુજરાતીઓના  હાથમાં જ હતો.
આરમનીયન સ્ટ્રીટ અને તારાચંદ દત્ત સ્ટ્રીટ માં પથરાયેલા આ વ્યવસાયમાં મારવાડીની માત્ર એક જ દુકાન હતી. એ દુકાનનું નામ હતું માલીરામ રામગોપાલ.  ઘણી ગુજરાતીઓની પેઢી બંધ થઈ ગઈ .પણ આ મારવાડીની  પેઢી હજુ પણ ચાલુ જ છે. જો કે 1960 પછીના ગાળામાં બીજા મારવાડીઓ અને બંગાળીઓ પણ આ વ્યવસાયમાં આવી ગયા….
  આ છોડીને મોટર પાર્ટ્સ ના વ્યવસાયમાં
પણ ગુજરાતીઓનું વર્ચસ્વ હતું.  આ બધા જ ગુજરાતીઓ બડાબઝારમાં જ એક કે બે રુમમાં મોટા પરિવાર સાથે રહેતા.
ચાલી સિસ્ટમમાં જે રીતે  સૌ રહેલા છે તે વાંચીને આજની ફ્લેટ સિસ્ટમમાં રહેતી પ્રજાને ખુબજ નવાઈ લાગશે! શાયદ વિશ્વાસ પણ નહીં આવે !!
આઠ કે દસ રૃમોની વચ્ચે માત્ર બે જ સંડાસ રહેતા. અને બાથરૂમ તો જાણે luxury ગણાતી! સૌ  પોતાના ઘરમાં જ નાનકડી ચોકડી બનાવી લેતા અને ઘરની બૈરાઓ ત્યાં જ સ્નાન કરી લેતા અને તેમાં કપડાં અને વાસણ ધોવાનું કામ પણ ચાલતું
રહેતું. પુરુષવર્ગતો  બહાર આવતા પાણીના કલ પાસે બાલટી લઈને નહાઈ લેતા.
એ દિવસોમાં સવાર સવારના સંડાસમાં જવું એટલે એ એક બહુ જ મોટું અને તકલીફ આપનારું કામ હતું.
બહારે line લાગી હોય .હાથમાં પાણીનું ડબલુ લઈને line લગાવવી પડતી.
વિચાર કરો જેમને ઝાડા થઈ ગયા હોય તેમની શુ હાલત થતી હશે ?…. અને સંડાશની સફાઈ તો સમજો કે મકાન માલિકની ઈચ્છા ઉપર નિર્ભર હતી. ખુબજ
ગંદગી રહેતી સંડાસમાં. પાછું સંડાશની બહાર નાના ટાબરીયા પોતાની નિશાની મૂકી આવતા. આવી નાની નાની ટેકરીઓને પાર કરીને સંડાસ જવું પડતું !  એમાં જો પગ પડી ગયો તો સત્યાનાશ !!

( વધ પછી વાંચો)
      
હરસુખ રાયવડેરા

એક મધુર યાદ (૭)

  એક મધુર યાદ ૭

મારા જીવનનની  , કારકિર્દી ની શરૂઆત
બડાબજારની દુકાન – બીડી પત્તાની દુકાનથી થઈ હતી….ઘણું શીખવા મળ્યું.
જંગલમાં જઈ આવ્યો….purchasing dept સંભાળવા લાગ્યો….. ખર્ચો વધારે અને આવક ઓછી ને કારણે દિવસો હંમેશ
ટેન્શનમાં જ પસાર થતા. એકની ટોપી બીજાને અને બીજાની ટોપી ત્રીજાને ..આ રીતે ચાલતું હતું….કપરા સમયમાં દુકાનને સંભાળવી અને વગર પૈસાએ માલ લાવવામાં તકલીફ થતી હતી….ચાલ્યુ….. કોઈનો દોષ નહોતો….નસીબનો જ દોષ હતો… આસ્તે આસ્તે સીડી ચડવા લાગ્યા.
ત્યારે આવક માટે બીજી દુકાન સોપારીની હતી…. ખર્ચ વગેરેમાં કાપ ,  અને બીજા પ્રયત્નો થી  દુકાન ચાલવા લાગી. જોઈન્ટ ફેમિલી હોવાથી સૌને અસંતોષ રહેતો જ.
પણ બીજો કોઈ રસ્તો નહોતો….
સફળતાનો પાઘડી બંધાવવા સૌ તૈયાર હોય છે પણ અસફળતા નો ટોપલો
ઉપાડવા કોઈ આગળ આવતું નથી….
લોકો સાથે સંબંધો વધવા લાગ્યા. આત્મવિશ્વાસ વધવા લાગ્યો….

પરિસ્થિતિને હિસાબે લગ્ન કરવાથી ડરતો હતો.  પણ ઈચ્છા પણ હતી. સ્વાભાવિક છે. ૧૯૬૩ થી ૧૯૭૧ સુધીમાં ૫ ભાઈઓના
લગ્ન થઈ ગયા. ખર્ચાઓ ખૂબ વધી ગયા.
નવા ઘરો , લગ્નો નો ખર્ચ,  સંસાર ચલાવવાનો ખર્ચ આ બધાને કારણે તકલીફો વધી ગઈ હતી. ૧૯૭૫ માં મારા લગ્ન થયા. બીડીપત્તાની દુકાનમાં અમે ૩ ભાઈઓ  બેસતા હતા. અને સોપારી ની દુકાનમાં ૩ ભાઈઓ બેસતા હતા….બીડી પત્તાની દુકાનમાં પૈસાની ખૂબ જ તકલીફ હતી.
છેલ્લે દાગીનો ગીરવે મુકવાનું નક્કી થયું.
મારા લગ્ન પછી માત્ર બે વર્ષમાં , અમારા ત્રણ ભાઈઓના દાગીના ગીરવે મુકાણા. લગ્ન પછી માત્ર બે વર્ષમાં જ પોતાના દાગીના ગીરવે મુકાય તે એક સ્ત્રી માટે  કેવો હૃદયને- તેના સપના ઓને તોડી નાખનારો પ્રસંગ કહેવાય તે કલ્પી શકો છો…
છતાં મારી પત્નીએ એક વાર પણ ના  ન પાડી અને દાગીનો આપી  દીધો…..
મેં એ વખતે નિર્ણય કર્યો હતો  જેટલો જલ્દી બની શકે એટલી જલ્દી આ દાગીનો
છોડાવવાનો….
આ પૈસાથી દુકાનને નવેસરથી ચલાવવાના
પ્રયત્નો શરૂ થયા. ઉધાર આપવાનું બંધ કર્યુ. રોકડે વ્યાજ કાપીને પત્તુ ખરીદવાનું અને એ પ્રમાણે રોકડે જ વેચવાનું…
દુકાન ચાલવા લાગી. આત્મવિશ્વાસ વધતો
ગયો. દરેક ઘરના ખર્ચ બાંધી દેવામાં આવ્યા.આ રીતે ૧૯૮૧ સુધી ચાલ્યા પછી
અમારી એક  નવી સોપારીની દુકાનનું opening થયું થિયેટર રોડ A. C. MKT
માં..૧૯૮૧ થી ૧૯૯૮ સુધી આ દુકાનમાં
હું રહ્યો તે મારા જીવનનો આત્મવિશ્વાસને
વધારનારો શ્રેષ્ઠ સમય હતો. ત્યાંની દુકાન
સારી ચાલવા લાગી….ત્યાં ની આવકની બચત માંથી દાગીનો પણ છોડાવ્યો..

આ દરમ્યાન MULLICK ST ની  દુકાનમાં કુટુંબની નવી પ્રજાએ બેસવાનું શરૂ કરતાં દખા શરૂ થયા…..
ભાઈઓના છોકરાવ કોઈ લાબું ભણ્યા  નહોતા એટલે સારી નોકરી પણ મળે એવું નહોતું .. .સૌ દુકાનમાં જ આવવાની  ઈચ્છા રાખતા હતા !  અમે છ ભાઈઓ અને ભાઈઓના સાત પુત્રો એમ બધા મળીને કુલ 13 જણ અને દુકાન માત્ર 3…કેવી રીતે કોણ ક્યાં બેસે ?……. આ બધા દખાને કારણે બીડી પત્તા અને A.C. MKT ની દુકાન વેચાઈ ગયી .ખુબજ જમેલા થયા. મનદુઃખ  થયા. પંચ માં ફેસલા થયા. એક બીજા ઉપર દોષ અને આરોપો થયા. જીવન જીવવું મુશ્કિલ થઈ ગયું…..
જે રોકડા રૂપિયા હાથમાં  આવ્યા તે ટુકડે ટુકડે  આવતા હોવાથી નવો ધંધો થાય એમ નહોતો… પૈસા પણ વેડફાઈ ગયા…..જેને જેવો સ્વાર્થ હતો એ પ્રમાણે સૌએ વ્યવહાર રાખ્યો. સંબંધો ખાટા થઇ ગયા.
આ દરમ્યાન એક પછી  અમે જે છ ભાઈઓ જીવીત અને સાથે હતા તેમાંથી પાંચે મોટા ભાઈઓ એક પછી એક મૃત્યું પામ્યા. સૌથી મોટા ભાઈ જે પહેલેથી જ અલગ હતા તેમનો તો પહેલા જ  સ્વર્ગવાસ થઈ ગયો હતો….. .
૧૯૯૮ થી ૨૦૦૮ સુધીના દિવસો ખુબજ
ભયાનક વીત્યા. કોઈ આવક નહી . દીકરીના લગ્ન , અને ચાર વર્ષ પછી જમાઈનું BIKE ACCIDENT માં મોત.
જમાઈના મોત  પછી  વેવાઈ લોકોનો  દીકરી પ્રત્યે ખરાબ વ્યવહાર ! અને ત્યારે નક્કી કરીને દીકરીને ચાર વર્ષના બાળક સાથે પાછી લઈ આવ્યા . આ દરમ્યાન જ શેર MKT માં મોટી ખોટ , મારુ DEPRESSIONમાં આવી જવું….છ મહિનામાં 15 KG વજન ગુમાવી દેવું….. આ બધી તકલીફો એક સાથે જ આવી .ખુબજ ભયંકર દિવસો હતા…એ !..આપઘાત કરવા સુધીના વિચારો આવતા હતા….. મારી ઉંમર ૫૦
પાર થવાથી કોઈ નોકરી પણ મળતી નહોતી….કરવું  શુ ?…. ત્યારે
બીડીપત્તાના એક મિત્ર ને કારણે ૨૦૦૮ માં
મહાજન વાડી માં નોકરી મળી…4500/-
પગાર લેખે. દીકરો પણ નોકરી કરતો હતો.
દીકરો લગ્ન પછી  નાગપુર settle થઈ ગયો
હતો….
લોહાણા મહાજન વાડી માં 5/ 6 વર્ષ નોકરી કરી તેમાં અને A. C. MKTની દુકાન દરમ્યાન ઘણા ખાટા મીઠાં અને રસપ્રદ અનુભવો થયા….જે હવે પછી…

.

એક મધુર યાદ (૬)

એક મધુર યાદ
ઘણાને બીડીપત્તા વિશે જાણવાની ઈચ્છા
થતી હશે….ભારત , પાકિસ્તાન , બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન …આ દેશોના લોકોને બીડી પીવાની આદત હોય છે…
બીડીનું પત્તુ એટલે જંગલ માં ઉગતુ એક અલગ જાતનું પત્તુ , કે જે અતિશય ગરમીમાં જ ખૂબ થાય છે. તેને અમુક સમયમાં તોડવું પડે છે. જો ના તોડો તો તેની size મોટી થઈ જાય અને તે નકામું થઈ જાય.. આ પત્તુ આપણા દેશમાં ખુબજ થાય છે. Oriisa ,Bihar , Maharashtra અને M.P.
આ છોડીને તે બીજા પ્રદેશોમાં પણ થાય છે… અને ખાસ વાત એ છે કે તેનું કોઈ
બિયારણ નથી હોતું. પક્ષીઓ તેના બી ખાતા ખાતા જ્યાં ફેંકી દે ત્યાં આ છોડ ઊગી જાય. પગના ગોઠણથી નીચે સુધી છોડના પાન આવે ત્યારે જ તેને તોડવા પડે નહીં તો તે કોઈ કામના નહીં. તોડીને તેને એકસાથે નાની ઢગલીઓ બનાવી ને સૂકવવા પડે .(ફોટો જુઓ) સુકવણી પછી તેને એ પ્રમાણે જ બાંધીને jute ની બેગમાં ભરીને તૈયાર કરવામાં આવે…. આ થઈ પત્તાની વાત.
સૌ જાણે છે કે આપણા દેશની પ્રજા અત્યંત ગરીબ છે. તેને સિગારેટ પીવી ન
પોસાય…અને એટલે એક અંદાજ મુજબ
આપણા દેશમાં લગભગ બધીજ ગરીબ અને મજદુરી કરતા સ્ત્રી અને પુરુષો બંને બીડી પીવે છે…તમે વિચાર કરી જુઓ આપણા દેશમાં કેટલી બીડી પીવાતી હશે ?
ખાસ વાત , પત્તા નું સૌથી વધારે ઉત્પાદન orrisa અને M. P. માં થાય છે. ..પત્તુ જગલોમાં
થતું હોવાથી સરકાર આ જગલોને 3 વર્ષ માટે લીઝમાં આપતી હતી… વેપારીઓ અરબો રૂપિયા કમાતા હોવાથી નેતાઓને પૈસા ખવડાવીને જંગલો lease માં લેતા હતા. એ જમાનામાં ઓરિસ્સા અને મ.પ્રદેશની સરકાર જંગલ કાંડ માં હાલક ડોલક થઈ જતી !!
પછી ઓરિસ્સા અને M.P સરકારે પોતે પત્તુ તોડાવવાનું નક્કી કર્યું અને સીઝન પુરી થયા બાદ તૈયાર માલ AUCTION અથવા ટેન્ડરથી વેચવાનું શરૂ કર્યું..
બીડી બનાવવાની મોટી મોટી ફેક્ટરીઓ
બંગાળ , મહારાષ્ટ્ર , આંદ્ર પ્રદેશ અને south india માં છે…અરબો રૂપિયાની બીડીઓ વેચાય છે.
અત્યારે પણ આપણા બીડીપત્તાની પાકિસ્તાન ,બાંગ્લાદેશ વગેરે માં ખુબજ demand છે….
બીડીમાં વપરાતું તમાકુ ગુજરાત – આણંદ માં અને south india માં ગંતુર વગેરે જગ્યાએ થાય છે…પણ સારી quality નું
તમાકુ માત્ર આણંદ માં જ થાય છે. લગભગ પટેલો જ વધારે આ વેપારમાં સંકળાયેલા છે. આ બધા પટેલો બધા ખુબજ સુખી છે….
તો આ થઈ બીડીપત્તા અને તમાકુની વાત.
એક જમાનામાં ખુબજ જાહોજલાલી હતી
આ વેપારીઓની… અનાપ -સનાપ આવક, એવાજ ખોટા ખર્ચાઓ અને બીજી ખોટી
આદતોને કારણે અનેક વેપારીઓ પછી
ફેંકાઈ પણ ગયા….
કહે છે ને કે ચડતી પછી પડતી આવે જ છે…..
જંગલમાં જ્યારે સીઝન ચાલતી હોય ત્યારે
૨/૩ મહિના માટે માલિકોને જંગલમાં અગવડો વચ્ચે રોકાવું પડતું…
સીઝનમાં ચાંડીલ (બિહાર) અને પુરુલિયા(બંગાળ) માં રહ્યો હતો તે યાદ આવતા જ મન રોમાંચ થી ભરાઈ જાય છે.
રાતના ખુલ્લા આકાશની નીચે ખાટલો ઢાળીને highway ની બાજુમાં સુવાનું. Light ત્યારે નહોતી. સર્પ વગેરે ઝેહરી જંતુઓનો ભય. .સાથે મોટી Eveready ની ટોર્ચ રાખવી પડતી…શરૂઆતમાં ખુબજ ગભરાઈ ગયો હતો. ભાગી જવાની ઈચ્છા થઈ જતી. પણ ઇજ્જત નો સવાલ હતો..
પાછું કેમ જવાય ?
અધૂરામાં પૂરું ત્યાં જાજરૂ(Toilet) તો ક્યાંથી હોય ? ..પહેલે દિવસે સાંજના પહોંચ્યા ત્યાંજ જે ભાઈ સાથે હું ગયો હતો તે ભાઈ પાણીનો લોટો લઈને તૈયાર થઈ ગયા. અને મને પૂછ્યું , ચાલ સંડાસ જવું છે ને ?
હું ગભરાઈ ગયો. મેં ના પાડી.મેં નક્કી કર્યું .ક્યાંય toilet આવશે ત્યારે જઈશ..
રાતના ખાવા માટે આદિવાસી ના ઘરેથી
જાડા મોટા ભાત નો ઢગલો અને ભાતની વચ્ચોવચ્ચ ગોળ ખાડો કરીને રીંગણાં આલુ નું તીખું તમતમતું શાક…જીવન માં કદી ના ખાધેલું પહેલીવાર ખાધું. આંખ અને નાકમાંથી પાણી નીકળતા જાય. લોટામાંથી પાણી પીતા પીતા જેમતેમ ખાવાનું શરૂ કર્યુ… આંખના આ પાણી ઘરની યાદ ને
કારણે હતા કે મરચાને કારણે હતા તે આજ
સુધી મને ખબર નથી પડી…!!

૧૯૭૦ થી ૧૯૮૧ નો એક દાયકો એટલે
મારી ઉંમરની ગધાપચીસીનો  દાયકો…
ત્યારે મેં અમારા બીડીપત્તાના વ્યાપારમાં
બેસવાનું શરૂ કર્યું કર્યું. મઝા આવવા લાગી.
બંગાળી ભાષા શીખવાની અને તેમાં મહારથી થવાની તક ત્યારે જ મળી. બંગાળના  વાસીંદાઓને ઓળખવાની ,
તેમના રીતી રિવાજ, આદત અને
વિચારોને નજદીકીથી  જાણવાની ખૂબ
જ મઝા આવતી….
બંગાળી કોમ વિશે મારા અભિપ્રાય મુજબ જે હું  જાણી શક્યો છુ તે વિશે થોડુંક….

આ કોમ ખુબજ બુદ્ધિશાળી અને લાગણીશીલ કોમ છે. પોતાની બુદ્ધિપ્રતિભા માટે હદ બહારનું ગર્વ  ધરાવતી આ  પ્રજાનું ગર્વ  જયારે અભિમાનમાં ફેરવાઈ ગયું ત્યારે આ પ્રજાની આસ્તે આસ્તે પડતી
શરૂ થઈ….what Bengal thought yesterday whole India thinks today….આ વાત ઘણા વર્ષો સુધી સાચી
હતી. કોલકાતાની આઝાદી પહેલા બોલબાલા હતી. અહીં ઘણી factories હતી. દેશની પંચરંગી પ્રજાનો અહીં વસવાટ હતો. મારવાડી સૌ પ્રથમ વ્યાપાર માટે કોલકાતામાં જ આવેલા…
બંગાળના ભાગલા થયા એ પહેલા (૧૯૪૬)  અહીંના  મુખ્ય મંત્રી suhravardi હતા. ખૂબ જ તોફાનો થયા . લગભગ 10 હજાર માણસો
મર્યા.  અને બંગાળ ના ભાગલાનો નિર્ણય
લેવાયો.બંગાળના ભાગલાથયા.W.
Bengal ના મુખ્યમંત્રી બીધનચંદ્ર રાય થયા… તેમના મૃત્યુ બાદ ૧૯૬૨ પછી બંગાળની પડતી થઈ.. આ વખતે અહીંના યુવાનોને નોકરી વગેરે મળતી નહોતી. ગરીબી ખુબજ વધી ગઈ હતી…..અને ત્યારે NAXAL મૂવમેન્ટ પણ શરૂ થઈ. ૧૯૬૬ ના વર્ષોમાં અમે ગણેશ ટોકીઝ પાસે રહેતા.. રાતના 9 વાગ્યા પછી
લોકો બહાર નીકળતા નહીં. નોન બેંગાળીઓની કનડગત શરૂ થઈ ગઈ હતી.
વેપારીઓને લૂંટવાનું , ફેક્ટરીના માલિકોનો
ઘેરાવ , હાલતા ચાલતા હડતાળ.. આ  period( ૧૯૬૭/૧૯૭૫) માં ઘણા
કુટુંબો બંગાળ થી હિજરત કરી ગયા.
Labour problem વધી ગઈ . Jute ની
ફેક્ટરીઓ બંધ થઈ ગઈ… બેકારી વધતી ગઈ. જ્યોતિબસુની સરકારમાં મજદુરોના
જુલમ વધી ગયા… આ તો થઈ બંગળીઓની  આર્થિક પડતીની વાત…
બાકી બંગાળીઓની આદત પણ આ પડતી
માટે કારણભૂત છે.
બેન્કમાં કે સરકારી કચેરીઓમાં કદી સમયસર ના પહોચવું . પહોંચ્યા પછી પહેલા છાપું વાંચવું….ફૂટબોલની, મોહન બગાન, ઈસ્ટ બેંગાલ કલબની વાતો કરવી.
પુરી દુનિયાની politcs ની ચર્ચા કરવી અને
આપણે જો એમને કહીયે તો કહેશે ,
“દાણાન  ના મોશાય ! એઇ તો એલામ”
(ઉભા રહો હમણાં જ તો હજી આવ્યો છું !)
અને પછી આસ્તે આસ્તે કામ કરવું. તેમને
પગાર તો મળવાનો જ છે. કોઈ નોકરીમાંથી
કાઢી નહીં શકે ! કાઢશે તો કામ બંધ. હડતાળ….
આમાર દાબી માનતે હોબે… જુલમ
કોરા ચોલબેના… ચોલબેના…ઇનકલાબ
જીંદાબાદ…
હવે આમાં ઇનકલાબ ક્યાં આવ્યો ?.. ભારતમાં આટલી આળશુ પ્રજા ત્યારે આ બંગાળી ઓ જેટલી કોઈ નહોતી…એમને
૩ ચીજ માં હંમેશા જ રસ હોય..! poltics , sports અને arts…અને  ચોથું પાછું અડ્ડા !!
અડ્ડા એટલે ચાર પાંચ જણા કોઈના ઓટા
ઉપર બેસીને દરેક વાતોની ચર્ચા કરે ! કહોને
ચીર ફાડ કરીને પૂરેપૂરું વિશ્લેષણ કરે… અને રાત મોડે સુધી  charminar સિગરેટ પીતા પીતા ( એક સિગારેટમાં ચાર જણા ચલાવે) અડ્ડાબાજી કરે…!… આ
“અડ્ડા આનંદ”  બંગાળ- કોલકાતાની speciality છે !!

હરસુખ રાયવડેરા

 

 

એક મધુર યાદ (૫)

૧૯૬૨ ની china સાથેના યુદ્ધ  વખતે National Defence fund ની સ્થાપના
થયેલી. લોકો એ પોતાના દાગીના આ યુદ્ધ વખતે આપી દીધેલા. કલાકારો સરહદ ઉપર જઈને સૈનિકોનું મનોરંજન કરતા હતા. હિમાલયની સરહદો ઉપર —NEFA
Border( હાલ અરુણાચલ પ્રદેશ)— અત્યંત ઠંડીમાં કોઈપણ જાતના સાધન વગર આપણા આ સૈનિકો યુદ્ધ લડતા હતા.
લતા મંગેશકરે તે વખતે , fund Raising ના પ્રોગ્રામમાં  ” એ મેરે વતન કે લોગો” ગીત પ્રથમવાર ગાયું હતું….
લોકોમાં દેશભક્તિનો જુવાર આવેલો હતો.
આખરે શસ્ત્રો ના હોવાને કારણે ૩૧ દિવસો સુધી ચાલેલી આ લડાઈ આપણે  હારી ગયા. આપણી પાસે સારી jeeps પણ નહોતી….આ હતી આપણા દેશની તે વખતે હાલત….

1962ના અને અત્યારના સમયમાં ઘણો ફરક દેખાઈ રહ્યો છે. અત્યારે માત્ર સ્વાર્થ જ સર્વોપરી થઈ ગયો છે. દરેક સંબંધોમાં નર્યો સ્વાર્થ જ દેખાઈ રહ્યો છે. લાગણીઓ  બહુજ ઓછી અને તે પણ ક્યારેક અમુક પ્રસંગો વખતે બહુજ ઓછી માત્રામાં દેખાઈ રહી છે…
આવામાં કોણ કોનો વિશ્વાસ કરે તે જ કોઈને સમજાતુ નથી. દરેક જગ્યાએ સતર્ક અને શંકાશીલ રહેવું પડે છે. સતત તાણ હેઠળ રહેવાને કારણે સૌના સ્વાસ્થ્ય ઉપર પણ અસર દેખાઈ રહી છે. નાની ઉંમરના લોકોનું મૃત્યુનું પ્રમાણ ખુબજ વધી ગયું છે !
લોકો ઘરના સભ્યો પાસે પણ પોતાનું દિલ ખોલતા નથી.અને  તાણ ને કારણે કાં તો
ડીપ્રેશનમાં આવી જાય છે…અથવા આપઘાત કરી લે છે અને નહીં તો પછી હાર્ટ એટેકના શિકાર બને છે…
આ બધાનું કારણ એક જ છે.આપસ આપસમાં પ્રેમ કે લાગણીનો અભાવ . રહી છે  માત્ર સ્વાર્થની ભાવના… સૌ પોતાના  ego , કે પોતાના વિચારો મુજબ જીવવા કે રહેવા માંગે છે. સૌને એકબીજાથી અલગ રહેવું છે. અરે , નાના બાળકોને પણ પોતાની રીતે જીવવું છે!
અને હવે તો મોબાઈલને કારણે પણ લોકો એકબીજાથી વધારે દૂર થતાં જાય છે. કોઈને કોઈની સાથે વાત કરવી પણ ગમતી નથી.શબ્દોની આપ લે રોજિંદા વ્યવહારમાં સાવ ઓછી થઈ ગઈ છે…..
લાગે છે કે માણસ પોતે જ આસ્તે આસ્તે મશીન બનતો જાય છે…. કહો કે બની જ ગયો છે…..ખેર , હવે મૂળ વાત ઉપર આવીએ….

આ દિવસો દરમ્યાન બાપુજીની તબિયત ખરાબ જ રહેતી હતી.  ,૧૯૬૩ માં એક દિવસ સાંજે તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. એ વખતે હું માત્ર ૧૪ વર્ષનો જ હતો… ડોક્ટર્સ આવી ગયા. તમાકુ પટ્ટીના વેપારીઓ ખબર પૂછવા આવી રહ્યા હતા….
બાપુજીની તબિયત  તો જો કે ,બે કે ત્રણ મહિના પહેલા પૂ. કાંતિભાઈની સગાઈને દિવસે જ ખરાબ થઈ ગઈ હતી.અને તેઓ અમારા મકાનમાં થયેલ આ સગાઈમાં હાજરી પણ આપી શક્યા નહોતા. શ્વાસની તકલીફ હોવાને કારણે તેઓ પથારીમાં જ હતા….પૂજ્ય ચિમનભાઈના લગ્ન પછી 13 વર્ષે આવેલા આ પ્રસંગમાં બાપુજી પથારીમાં હતા….
ત્રણ મહિના પછી august મહિનાની એ
સાંજ આજ પણ આંખોની સામે તરવરે છે.
મનમાં ડર લાગતો હતો. બધાની આંખોમાં
ભય હતો…હું તો  બધા ભાઈઓ અને
બા અને ફૈબા નો ચેહરો જોઈને જ ખૂબ ડરી ગયો હતો. રાતના ૯ વાગે ડૉક્ટર આવ્યા. તબિયત જોઈને બહાર નીકળ્યા અને ચીમનભાઈને આસ્તેથી કઈ કહ્યું . ચીમનભાઈએ કાંતિભાઈ અને બીજા ભાઈઓને બોલાવીને કહી દીધું કે રાત નીકળી જાય તો સારું ! બા અને બાઈથી(ફૈબા) આ વાત છુપાવવામાં આવી. હું  આ સાંભળીને ધ્રુજી ગયો. રોવાની ઈચ્છા થતી હતી. પણ ક્યાં જઈને રડું ? સૌ ગભરાઈ ગયા હતા !!
આ વખતે પહેલીવાર શાયદ મેં ભગવાનને
યાદ કર્યા હશે !
કોઈનું મારી પ્રત્યે ધ્યાન નહોતું. બારીની પાળી ઉપર બેસીને , આકાશમાં વસતા દેવતાઓને જોઈને રડતી આંખે  પ્રાથના કરતો રહ્યો…શાયદ એક અસહાય ૧૪ વર્ષના છોકરાની વિનંતી–! પ્રાથના ભગવાન સાંભળી લે ?…..
પણ નિષ્ઠુર ભગવાને આ પ્રાથના ઠુકરાવી દીધી…
અને પુજય બાપુજી ગણેશ ચતુર્થી ની સવારે લગભગ ત્રણ વાગે અવસાન પામ્યા.
ઘરમાં રોકકળ મચી ગઇ…પહેલી વાર ત્યારે મૃત્યુ એટલે શું તે ખબર પડી…બા બાઈ જયારે કોઈના મરવાની વાર્તાનો પ્રસંગ કહેતા ત્યારે પણ હું રોઈ પડતો…જ્યારે આ તો મારા પ્રિય બાપુજીનો મૃત્યુનો પ્રસંગ..!!
દુનિયામાં સૌથી વધારે જો મને કોઈ પ્રિય હતું તો તે મારા  બાપુજી હતા ! બીજા બધા કરતા મુઠ્ઠી ઊંચેરા માનવી હતા તે.
ન્યાય પ્રિય , હંમેશ માણસાઈ અને ઇમાનદારીને પ્રાથમિકતા આપનાર , ગુસ્સા વાળા છતાં લાગણીથી ભરપૂર અને પંચમાં
બેસીને  અનેકોના જીવનમાં સાચો ફેંસલો
આપનાર મારા આ બાપુજીના જીવનનો
આજ આખરી ફેંસલોઃ પણ આવી ગયો…શ્રી ઠાકોરદાસ ભગવાનજી રાયવડેરા આજ ગણેશ ચતુર્થીના દિવસે અવસાન પામ્યા…. હે રામ !🙏 He died…..

        હરસુખ રાયવડેરા …

એક મધુર યાદ(૪)

દરેક જણ માં કોઈ ને કોઈ એક વિશેષતા
હોય જ છે. કોઈની એ વિશેષતા બહાર
આવી જાય છે. જ્યારે કોઈની એ વિશેષતા
સંજોગોને કારણે દબાઈ જાય છે .જો દરેક માણસ એક બીજાને પ્રોત્સાહન આપે
અને મદદ કરે તો દરેક માણસની વિશેષતા
બહાર આવે અને  એક નવા આત્મસંતોષથી જીવવાનું બળ મળે….

એ જમાનામાં મારા પિતાજીને(બાપુજી) વાંચનનો ખુબજ શોખ હતો. રાતના ૧/૨ વાગ્યા સુધી  ENGLISH અને ગુજરાતી news papers વાંચતા રહેતા ! બીજા શોખ  હતા, તબલા વગાડવા, English મૂવી જોવાનો અને તેનું બારીક અવલોકન કરવાનો, classical સંગીત ના કાર્યક્રમ જોવાનો…
તેઓ સિગારેટ ખુબજ પિતા.મને હજુ યાદ છે , Gold flake સિગારેટ લેવા અચાનક દોડાવતા. એમનો ગોલ્ડ ફ્લેક સિગારેટનો
ખાલી ડબ્બો મને દિવાળીમાં મળતા રૂપિયા
રાખવા, અને શ્રાવણ મહિનામાં બધા પત્તાનો જુગાર રમતા ત્યારે જીતના એ થોડા ઘણા રૂપિયા રાખવા માટે ખુબજ
કામ  આવતો !
ઘણા વર્ષો સુધી એ ડબ્બો  જ મારી તિજોરી હતી ! પૈસાને રોજ રોજ ગણવાનો
એ આનંદ અનેરો જ હતો !….

બાપુજીના આ દરેક શોખ અમારા દરેક ભાઈઓમાં વધતે ઓછે અંશે ઉતર્યા હતા. અને એ શોખ ત્યાર બાદ ભાઈઓના પરિવારમાં, તેમની પ્રજામાં પણ આવ્યા જ છે !…
કહેવત છે ને કે
” વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા “..
હા , એક વધારે  extra શોખ કે જે મારા પિતાશ્રીમાં નહોતો તે મારા ભાઈઓમાં અને ત્યાર પછી હવે તેમની પ્રજામાં(પુત્રોમાં) પણ ઉતરી આવ્યો છે. અને તે શોખ છે
” ગુટકો”  ખાવાનો….પાન મસાલા અને જરદા નું મિશ્રણ ખાવાનો આ શોખ હજૂ સુધી કાયમ છે !… ખુબજ , અત્યંત ની હદ શુધી ખાવાનો આ શોખ લગભગ દરેક ભાઈઓમાં હતો….અમારી familyમાં લાખો રૂપિયાનો પાનમસાલો ખવાઈ ગયો છે અને હજુ પણ ખવાઈ રહ્યો છે…!!

અહી એક વાતની ચોખવટ કરી લઉ. જ્યારે લોકો પોતાની જીવની વિશે લખતા હોય ત્યારે સંપૂર્ણપણે ઈમાનદાર થઈ શકતા નથી. કારણ કે જો ઈમાનદાર થાય તો પોતાના પરિવારના લોકો ને અને ના થાય તો પોતાની જાતને અન્યાય થાય !
અને એટલે જ ઘણા ખરા લોકો ,મારા ખ્યાલ મુજબ, પોતાની જીવન કહાણી  મૃત્યુ બાદ જ પ્રગટ કરવાની વ્યવસ્થા કરી જતા હોય છે..
અને જે લોકો જીવિત રહેતા પ્રગટ કરતા હોય છે તેઓના  પોતાના પરિવાર સાથેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઘણી વધી જતી હોય છે.
બીજી એક વાત  , દરેક પરિવારમાં દીકરો જ્યાં સુધી કુંવારો હોય છે ત્યાં સુધી  કોઈને શિકાયત હોતી નથી. લગ્ન પછી જ્યારે તે દીકરો અને પતિ અને પછી બાપ બની જતો હોય છે ત્યારે ,જાણ્યે અજાણ્યે  જ્યારે પરિવારમાં કોઈ ને કોઈને અન્યાય કરતો થઈ જાય…(પછી તે કોઈ પણ હોઈ શકે , માં ,પત્ની, ભાઈઓ કે પોતાના  બાળકો કે પરિવારનો કોઈ પણ સભ્ય ) ત્યારે તેની શિકાયત શરૂ થઈ જતી હોય છે !
એટલે જ કોઈએ જીવનીમાં , મારા મત મુજબ ; ન્યાય અન્યાય વિશે ન લખવું જોઈએ… કારણ કે મને અધિકાર છે માત્ર
મારા પોતા વિશે લખવાનો. ..અને મારા point of view ને judgemental બન્યા વગર પ્રગટ કરવાનો….
છતાં  મારી આ વાતો કોઈને દુઃખ પહોંચાડે
એવી પુરી શક્યતા છે… અને એ માટે હું લાગતા વળગતા લોકો પાસે અત્યારે માફી માંગુ છું….
મારા આ લેખમાં મારા ભાઈઓના લગ્ન બાદના પરિવાર વિશે વધારે લખવાનો મોહ હું જતો કરીશ. કારણ કે મારા  prejudice  થવાની શક્યતા એમાં વધારે અને ભારોભાર છે…..

અમે armaniyan street માં રહેતા એ વખતે ,1962 માં china સાથે war થયેલી.
એ વખતે શ્રી કૃષ્ણમેનન આપણા રક્ષા મંત્રી અને નેહરુજી વડા પ્રધાન હતા. ચાઈનાએ અચાનક હુમલો કર્યો. નેહરુજીને “હિંદી ચીની ભાઈ ભાઈ” ના નારા ઉપર  અને
આ બાટકા ચીનાઓ ઉપર  પૂરેપૂરો વિશ્વાસ હતો. આપણે ઉંઘતા  ઝડપાઇ ગયા. કોઈ શસ્ત્રો આપણી પાસે નહોતા.  હું 12 વર્ષનો હતો. આ બધી વાતોમાં રસ જાગી ચુક્યો હતો… ખુબજ ગુસ્સો આવતો હતો. ઘરમાં સૌ tense હતા . રાતના blackout થઈ ચૂક્યો હતો. બધી બારીઓમાં કાળો રંગ લાગી ચુક્યો હતો.Night lamp પણ જલાવી શકતા નહી. અચાનક siren વાગતી અને સૌ ગભરાઈ જતા. બારી માંથી ઉડતા planes દેખાતા… રાત ભર જાગતા જાગતા સુતા રહેતા…. Excitement ,  ભય રોમાંચ બધું જ હતું એ દિવસોમાં…. લોકોની વાતો , ચીન ના દગાની વાતો અને નેહરુજીની બેદરકારીની વાતો સાંભળીને
ગુસ્સો આવતો  !……  આ યુદ્ધ આપણે  ખુબજ ખરાબ રીતે હારી ગયા. આપણા ઘણા સૈનિકોએ(ફોટો જુઓ) આત્મ સમર્પણ કર્યું…

            વધુ પછી…..

     હરસુખ રાયવડેરા

એક મધુર યાદ(૩)

 

ઘર એટલે માત્ર ચાર દીવાલ નહી પણ ઘર એટલે એક એવી જ્ગ્યા કે જેમાં વસતા લોકો એક સાથે પ્રેમના બંધનમાં પરોવાઈને રહેતા હોય…. ઘર કોને કહેવાય તેનો પહેલો અનુભવ મને ૧૮ armaniyan સ્ટ્રીટ ના રહેઠાણ દરિમયાન જ થયો.
મારા બાળપણથી લઈને કિશોરાવસ્થા સુધી , મારા લગભગ ૧૫ વર્ષો અહીં વીત્યા.
ઘણું શીખ્યો. સાત ભાઈઓમાં સૌથી નાનો હું હતો. મારા અને મારાથી મોટા અનંતભાઈની વચ્ચે લગભગ 9/10 વર્ષનો
તફાવત હતો. સૌથી મોટા ચીમનભાઈ ને છોડીને બાકીના પાંચે ભાઈઓ વચ્ચે માત્ર ૨/૩ વર્ષ નો જ ફરક હોવાથી તેઓ એક બીજાને તું કારે જ બોલાવતા. અલગ અલગ special નામોથી જ તેઓ એક બીજાને બોલાવતા !! 😊😊

પૂ. ચીમનભાઈ છોડીને કોઈના લગ્ન થયા નહોતા. મસ્તીથી બધા ધમાલ કરતા. અમારા મકાનના ચોકમાં રબર બોલ Cricketની મેચો રમાતી. અમારા પરિવારમાં બધાને ક્રિકેટ જોવાનો અને રમવાનો શોખ હતો . જે આજ સુધી
બધામાં કોઈને કોઈ રીતે કાયમ રહ્યો છે.
મારા મોટાભાઈ કાંતિભાઈએ (તેઓ રાયવડેરા ની જગ્યાએ હંમેશા ઠક્કર title વાપરતા) બહુ જ નાની ઉમરથી કલકત્તા ની
ક્લબ ક્રિકેટ માં તેમણે નામ કાઢ્યું. 1 st division ની, Mohmadan sporting club તરફથી તેઓ ઘણા વર્ષો સુધી left arm spinner તરીકે રમ્યા અને નામ દીપાવ્યું. કલબમાં તેમનું ખુબજ નામ હતું ! એ વખતે લગાતાર ઘણા વર્ષો સુધી 1 st division title mohmadan ના હસ્તક રહ્યું હતું.
કાંતિભાઈનું નામ statesman અને Amritbazar bazar patrika માં શનિ, રવિવારે sports pagesમાં ચમકતું રહ્યુ.
એ જમાનામાં તેઓની pin up boy જેવી
Personality હતી. ફોટોગ્રાફી ,ક્રિકેટ , અને સડસડાટ english બોલવાની આદત , sports દ્વારા મેળવેલુ ખડતલ શરીર અને hight ની સાથોસાથ ગોરો રંગ, સાથે રાસ ગરબા નો શોખ, આ બધાને કારણે તેમની Female following ઘણી જ હતી. ગુજરાતી સમાજમાં તેઓ છવાયેલા હતા. Photographer તરીકે પણ તેઓ લગ્નોની photography કરતા. કોલકાતાના ગુજરાતી સમાજમાં એવા ઘણા લોકો આજ પણ હયાત હશે જેમના લગ્નની ફોટોગ્રાફી કાંતિભાઈએ કરી હશે…
આ થઈ મારા એક ભાઈની વાત.

We “Raivaderas” are different because we always differ !!

સયુંકત પરિવારમાં રહેવાનો મોટો એક લાભ એ છે કે આપણામાં અમુક સભ્યો એક મોટી અસર મૂકી જાય છે. અને તેમની યાદ હંમેશ માટે રહી જાય છે. તેમની અસર આપણામાં રહી જાય છે. માઁ- બાપ સિવાયની આ વ્યક્તિઓ કોઈ પણ હોઈ શકે છે.
મારા માટે માઁ અને પિતા છોડી ને મારા વ્યક્તિત્વમાં છાપ મૂકી જનાર ત્રણ જણ હતા. મારા ફૈબા લક્ષ્મીબેન રાયવડેરા,
મારા જ્યેષ્ઠ બંધુઓ શ્રી જયંતીલાલ રાયવડેરા અને શ્રી અનંતરાય રાયવડેરા. આ ત્રણે જણે પોતાની સારાઈ અને પરિવાર પ્રત્યેની લાગણી શીલતાને હંમેશ પ્રથમ સ્થાન આપ્યું હતું. તેઓ પરિવાર માટે હંમેશ કાર્યરત રહેતા.
આ ત્રણે જણનો હું હંમેશ માટે ઋણી રહીશ….
અમારા ભાઈઓમાં મત ભેદ
હોવા છતાં કદી મનભેદ થયો નહોતો અને સૌની એકબીજા પ્રત્યેની લાગણી છેલ્લે સુધી કાયમ રહી હતી.
સાત ભાઈઓ , સાતેના મત જુદા અને સાતે ની અલગ અલગ વિશેષતા હોવા છતાં એક માળામાં કોઈ દિવસ પરોવાઈ શક્યા નહી ! અને આ ના બંધાવાનું કારણ હતું , કોઈ કન્ટ્રોલ નો અભાવ… (મારા સાળાઓ હંમેશ અમને સત્તે પે સત્તા જ કહેતા)હમ ઉમર હોવાને કારણે અને પિતાશ્રીની નાદુરસ્ત તબિયતને કારણે કોઇનો કોઈ ઉપર control નહોતો….
જો અમે દરેક રાયવડેરા મત ભેદ છોડીને સાથે રહ્યા હોત તો રાયવડેરા નો દરેક ક્ષેત્રે આજે એક અલગ જ ડંકો વાગતો હોત….
ખેર, જેવી પ્રભુની ઈચ્છા…

હરસુખ રાયવડેરા

“એક મધુર યાદ” (૧)

” એક મધુર યાદ” (૧)

જીવન . દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે… અવનવા
સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ.
કલકત્તા શહેર , મારા બાળપણ , મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે…

નાનપણની , સમજું થયા બાદની આવતી યાદગીરીઓમાં સૌ પ્રથમ સ્થાન ધરાવે છે , 18,armanian Street નું અમે જે રહેતાં હતાં એ મકાન !! હજુ અડીખમ ઉભું છે એ મકાન !!
આ મકાનમાં જ મારો જન્મ થયો હતો. જયારે હું લગભગ 17 વર્ષનો થયો ત્યારે , પરિવાર મોટો થવાથી અને આ જગ્યા નાની પડવાથી અમારે બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. અને મારા સૌથી મોટા ભાઈ શ્રી ચીમનલાલ ઠાકોરદાસ રાયવડેરા
તેમના પરિવાર સાથે 18 , armaniyan માં રહેવા લાગ્યા .
મારા 17 વર્ષોનો ત્યાંનો વસવાટ એટલે સારા નરસા અનેક અનુભવો નું એક ઉદગમસ્થાન …
મારુ બાળપણ અભાવો અને નાની મોટી અનેક ખુશીઓની વચ્ચે વીત્યું હતું.અમુક પ્રસંગો તો આજ સુધી સ્મૃતિમાં કંડારાયેલા છે…
વિચાર છે મારી આ યાદગીરીઓને લખાણમાં સાચવવાની.. અમુક, ન લખવા જેવી બાબતોને બાદ કરીને ; લખવાનો વિચાર છે. માણસ જો બધું જ લખે તો , જુના ભુલાઈ ગયેલા , રૂઝાઈ ગયેલા ઘાવ ફરી તાજા થાય અને તેની ખરાબ અસર વર્તમાનમાં પણ પડે ! એટલે જરૂર પૂરતું જ લખીશ.
મારા પિતાનું નામ ઠાકોરદાસ ભગવાનજી રાયવડેરા..
જેટલું નામમાં વજન છે એનાથી પણ વધારે વજન એમના વ્યક્તિત્વમાં અને એમના કાર્યમાં હતું.સૌ તેમની સલાહ લેતા. ઈમાનદારી ને હિસાબે પૈસો તો નહીં પણ નામ અને ઈજ્જત બનેની કમાણી જરૂર કરી હતી ! !
તેમની કારકિર્દીની શરૂઆત કલકત્તાની તમાકુ પત્તાની બજારમાં થઈ હતી.

આર્મનિયન સ્ટ્રીટ , રૂપચંદ રોય સ્ટ્રીટ અને તારાચંદ દત્ત સ્ટ્રીટ આ ત્રણેય ને મળીને લગભગ 150/200 તમાકુ અને
બીડીપત્તાની દુકાનો , પેઢીઓ ત્યાં હતી.

આ બજારની જાહોજલી હતી એ જમાનામાં. ત્યાંની દિવાળી જોવા લોકો ખાસ આવતા. આખી રાત લોકો ફટાકડા ફોડતા. ખાવા પીવાની અવનવી આઇટમો સૌ ખવડાવતા !! સાથે મળતું ice ceam, Rose syrup , મલાઈદાર લસ્સી !! હુંબેશ કમાણી હતી એ સૌને ! મુંબઇનો Mohanlal .S.Mithaiwala નો ice હલવો સૌ મોકલતા. મઝા આવતી.ખૂબ સરળ અને સરસ હતા એ દિવસો !! રાહ જોતા દિવાળીના આ દિવસોની. નવા વર્ષને
દિવસે સૌને પગે લાગવા જવાનું. સૌ હાથમાં પૈસા આપતા. 2 રૂપિયાની નોટથી
જાણે સ્વર્ગ મળી જવાની ખુશી આનંદ મળતો…

મારા પિતા એ વખતે પત્તાની એક નામી
પેઢી OSMAN VIRA & CO માં નોકરી કરતા હતા. MANAGER હતા.અને ત્યારે કમાણી માં થોડો હિસ્સો આપવાની મૌખિક કબૂલાત પણ માલિક દ્વારા થયેલી…. જે તેમણે પાળી નહી અને
જુબાન થી ફરી ગયા.આ વર્ષોની વાતો હજુ પણ મને યાદ છે !

સામેની દુકાનમાં રહેતા એક ગણપતબાબુ નામના તમાકુના વેપારી મારા પિતાશ્રી ના ખાસ મિત્ર. હર અઠવાડિયે English movie સાથે જોતા. એ વખતે કોલકાતામાં METRO , ELITE અને બીજા બે કે 3 થિયેટર માં જ ENGLISH MOVIE નું પ્રસારણ થતું…..ખૂબ સરસ અને સરલ હતા એ દિવસો !!

હરસુખ રાયવડેરા…

(આપ સૌને જો ગમે તો આગળ લખવાનો વિચાર છે….
હ.રા)

.

 

એક મધુર યાદ (૨)

સોપારી પટ્ટીમાં ગુજરાતીઓની માત્ર  બે જ
દુકાન. એક અમારા પરિવારની શ્રી કાંત સ્ટોર્સ. અને બીજી કાલી ગોડાઉનની નીચે
આવેલી શ્રી સૌરાષ્ટ્ર સ્ટોર્સ. સૌરાષ્ટ્ર સ્ટોર્સ અમારા પહેલાની જૂની દુકાન
અમે લગભગ 1960ની આસપાસ  સોપારીનું કામ શરૂ કર્યું.
18 armaniyan st માં સોપારીનું ઉત્પાદન થતું.  અમારા આવ્યા પહેલા માત્ર કાચી , સેકેલી, ચીકણી(રાજસ્થાનમાં પેદા થતી),  અને માત્ર 2 કે 3 જાતની મીઠ્ઠી સોપારી બનતી. મારા મોટાભાઈ સ્વર્ગીય અનંત ઠાકોરદાસ રાયવડેરા ની બુદ્ધિ અને કારીગરીને કારણે લગભગ 15 થી 20 જાતની મીઠી સોપારી ક્રમશ બજારમાં મૂકી.
ગુલાબ, ખશ, નરમ સોપારી વગેરે અનેક નવા સ્વાદની સોપારીઓનું ઉત્પાદન શરૂ થયું
Armaniyan street ના અમારા floor માં કુલ 6 પરિવાર( બધા જ  લોહાણા) . અમારી એક બાજુમાં કચ્છી લોહાણા શ્રી કાનજી ભાઈ કારિયા રહેતા.
તેમનું બીડીપત્તા નું કામ હતું. તેમની આર્થિક
પરિસ્થિતિ અત્યંત સારી હતી. એ જમાનામાં એમની પોતાની કાર હતી. મારા mother અને  લલિતા કાકી(કાનજીકાકા ના પત્ની) ના સારા બહેનપણા હોવાને કારણે અવારનવાર કારમાં બેસવા મળતું. એ વખતે મારી ઉંમર માત્ર દસ બાર વર્ષની હોવાથી આ બધું ખુબજ ગમતું…
અમારી બીજી બાજુ બીજા ચાર પરિવાર રહેતા. શ્રી તુલસીભાઈ (કાનજી કાકાના શાયદ ભત્રીજા) , એમની બાજુમાં શ્રી કાશીમાસી . તેમના પતિ અવસાન પામ્યા હતા.(શ્રી મુકેશભાઈ ઠક્કર ,હાલ જેમની અભિયાનમાં કોલમ આવે છે તેમના કાશીમાસી નાની માં)  કાશીબેન ને એક દીકરો શ્રી પ્રમોદ કોઠારી અને બે પુત્રીઓ.  વિરમણીબેન (મુકેશભાઈ ના માતુશ્રી) અને બીજા શાંતિબેન. પ્રમોદભાઈ અને શાંતિબેન હાલ મુંબઈમાં છે….

કાશીમાસીની બાજુમાં શ્રી હરિભાઈ ગણાત્રાનો પરિવાર રહેતો. તેઓ ૫ ભાઈઓ હતા. એમાંથી ૪ ના ભાઈ શ્રી સુરેશભાઈ ગણાત્રા હાલ શ્રી ગુજરાત સમાજ , કોલકાતામાં કાર્યરત છે. શ્રી હરિભાઈ અવસાન પામ્યા ની જાણકારી છે. બાકીના ભાઈઓ વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી…

એમની બાજુમાં શ્રી નરભેરામભાઈ કોઠારીનો પરિવાર. એમના સૌથી મોટા પુત્ર
એટલે કે શ્રી જયકિશોર કોઠારી  લોહાણા મહાજન ,  અને શ્રી રઘુવંશી કલચરલ કલબ  કોલકાતા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. તેઓ ૬  ભાઈઓ. તેઓનો પરિવાર હજુ હમણાં સુધી આ ૧૮ , armaniyan st માં  વસવાટ કરતો હતો.
આ બધા પરિવાર , આ મકાનમાં 1950 પહેલાથી અહીં રહેતા હતા. હવે આ મકાન બડાબઝારના બીજા મકાનોની જેમ વેપારીઓની ઓફિસો કે godowns નું મથક બની ગયું છે.. જૂની દીવાલોમાં માત્ર
જૂની યાદો સચવાયેલી રહી ગઈ છે. થોડા વર્ષોમાં એ દિવાલોની સાથે સાથે એ જૂની યાદો પણ ખતમ થઈ જશે !
ત્યાંના ચોકમાં  ક્રિકેટ રમતા રમતા અમારી
” How’s that ”  ની અપીલ   સાંભળીને નિર્ણય  દેવા વાળું પણ ત્યારે કોઈ   શાયદ બચ્યું નહીં હોય….

   હરસુખ રાયવડેરા…